Saturday, April 27, 2019

સુખ

એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા,
‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.

ભાઈ બોલ્યા,
‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો
છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.’..

મુલ્લા કંઈ બોલવાને બદલે એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા. એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા...

થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી
ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું,
‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’

મુલ્લા, ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો. તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’...

આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે...

આવું શા માટે?

એટલે હવે પછી જ્યારે મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે?

કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું,
‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. એટલે હવે ક્યારેક હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી...’ એવું
લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.....

જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો તેના પરથી બે મહત્વની બાબત સાબિત થાય છે-
(૧) તમે ગરીબ નથી.
કોન્ગ્રેટ્સ
(૨) તમે શાંતિથી બેસીને વાંચી શકો છો મતલબ કે તમે અત્યંત માંદા નથી.

ઔર જીને કો ક્યા ચાહિયે?
જેના વિના એક મિનિટ પણ ન જીવી શકાય એવો ઓક્સિજન હવામાં હાજર છે.

આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો. તો પછી છોડો ફરિયાદો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે જીવન મસ્ત છે....

No comments:

Post a Comment