૩ હજારથી વધુ નવલકથાઓમાંથી ૧૦ પસંદ કરવાનું સર્વથા મુશ્કેલ જ હોય. આમ છતાં નવી પેઢીના વાચકને ધ્યાનમાં રાખીને અમે ૧૦ પ્રતિનિધિ કથાઓ અહીં રજૂ કરી છે
🌀સરસ્વતીચંદ્ર
ગુજરાતી નવલકથાની વાત નીકળે ત્યારે જેનાં થકી આરંભ કરવો અનિવાર્ય ગણાય એ ગો.મા.ત્રિપાઠી રચિત આ મહાનવલ એ પંડિતયુગની મહાનવલ તરીકે સુવિખ્યાત છે. સાહિત્યના અનેક નવા માપદંડો સર્જનાર આ કૃતિ તેનાં લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ નોંધ્યા મુજબ, પરિવારધર્મ અને રાજ્યધર્મ વિશેના પોતાના ચિંતનને રજૂ કરવા માટે તેમણે સરસ્વતીચંદ્રના સર્જન દ્વારા નવલકથા રચી હતી.
બુદ્ધિધનનો કારભાર, ગુણસુંદરીની કુટુંબજાળ, રત્નનગરીનું રાજ્યતંત્ર અને સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય એવા શીર્ષકથી ચાર ભાગના આશરે ૧૮૦૦ પાનાઓમાં વહેંચાયેલી આ નવલકથાને આરંભથી પૂર્ણાહુતિ સુધી પહોંચવામાં ૧૫ વર્ષ લાગ્યા હતા. જીવન વિશેની ભારતની પ્રાચીન તેમજ અર્વાચીન અને પશ્ચિમી વિશ્વની અર્વાચીન પરિકલ્પનાને રજૂ કરતી આ કથાને વિશિષ્ટ પાત્રસૃષ્ટિ દ્વારા લેખકે જીવંત, હૃદયસ્પર્શી અને ચીરસ્મરણિય બનાવી છે. કુમુદસુંદરી, સરસ્વતીચંદ્ર, બુદ્ધિધન વગેરે પાત્રો આશરે સવાસો વર્ષથી લોકમાનસમાં દૃઢ થયેલા છે.
આ નવલકથા પરથી ફિલ્મ અને ટીવી સિરિયલ પણ બન્યા છે અને દરેક પેઢીના દરેક ક્ષેત્રના સર્જકને આ મહાનવલકથાનું કથાવસ્તુ આકર્ષતું રહે છે.
🌀ગુજરાતનો નાથ
ધસમસતી નદી તેવા તોફાની, રોચક અને જકડી રાખે તેવો ઘટનાક્રમ ધરાવતી આ નવલકથા એ કનૈયાલાલ મુનશી રચિત ત્રિ-નવલ પૈકીનો મધ્ય મણકો છે. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ એ ક્રમમાં મધ્યયુગના સોલંકી શાસનનો ઇતિહાસ વિવિધ કથાનકો, પાત્રો, કાલ્પનિક ઘટનાઓનો આધાર લઈને આગળ વધે છે. છતાં દરેક નવલકથા અલગ રીતે પણ એટલી જ વાચનક્ષમ બની છે.
મધ્યયુગમાં લાટપ્રદેશ તરીકે ઓળખાતા (આજના ભરુચ)નો એક બ્રાહ્મણ યોદ્ધો નામે કાકભટ્ટ આપબળે સોલંકીરાજના પાટનગર પાટણમાં પોતાનું મહત્ત્વ સ્થાપિત કરે છે. બાહુબળ અને કુશાગ્ર બુદ્ધિના જોરે મુત્સદ્દીગીરીના આટાપાટા વચ્ચે ફેલાયેલી આ કથામાં મંજરીના પાત્ર વડે મુનશીએ એક સ્ત્રીના બૌદ્ધિક ચમકારા પણ અજોડ રીતે દર્શાવ્યા છે. ગુજરાતી કથાસાહિત્યમાં સર્વધા લોકપ્રિય પાત્રોની સુચિ બને તો તેમાં કાકભટ્ટ અને મંજરીનો પણ સમાવેશ કરવો પડે.
🌀માનવીની ભવાઈ
સાહિત્ય એટલે નર્યો આદર્શવાદ, સાહિત્ય એટલે કોરી પંડિતાઈ, સાહિત્ય એટલે શિષ્ટ ભાષા એવી પ્રચલિત થયેલી સમજનો છેદ ઉડાડીને ધરાતળના અબુધ, નિરક્ષર છતાં સંવેદનોથી છલોછલ પાત્રો વડે લોકપ્રિય નીવડેલી નવલકથા તરીકે પન્નાલાલ પટેલ રચિત 'માનવીની ભવાઈ' શિરમોર ગણાય છે.
છેવાડાના ગામડાની વાત છે. એક પછી એક પડતા કારમા દુષ્કાળ વચ્ચે જીવાતી જિંદગીનો માહોલ છે. કાળુ, રાજુ, ભલી, માલી ડોશી જેવા ગ્રામિણ છતાં પોતીકા લાગે તેવા પાત્રો છે અને તેમની વચ્ચે સર્જાતા હૈયુ વલોવી નાંખતા પ્રસંગો છે. આ નવલકથાએ ગુજરાતી વાચકોની બબ્બે પેઢીની આંખો ભીની કરી છે અને જ્યાં સુધી, જ્યાં પણ ગુજરાતી વંચાતું રહેશે ત્યાં સુધી આ નવલકથા વાંચવી અનિવાર્ય ગણાશે.
લોકબોલીની અનેરી છાંટ અને તળપદા રીતિરિવાજ કે પરંપરાનો અદ્ભૂત સમન્વય, પહેરવેશથી માંડીને ખોરાક સહિતના ઉલ્લેખોમાં જળવાતું સુરેખપણું અને પાત્રોની બહુરંગી વિવિધતા થકી આ કથા દરેક પેઢીના, દરેક વયના વાચકને પોતે નજરે જોયેલી ઘટનાઓના ચિત્રણ સમી લાગે છે.
🌀ઝેર તો પીધાં છે જાણી જાણી
કાઠિયાવાડના નાનકડાં ગામમાંથી આરંભ પામતી આ કથા બીજા વિશ્વયુદ્ધની પશ્ચાદભૂમાં યુરોપના સીમાડાઓને આંબે છે. રોહીણી અને સત્યકામ જેવા બે મુખ્યપાત્રના આંતરસંબંધને આલેખતી આ સુદીર્ઘ નવલકથાનો એક છેડો માનવીય સંવેદનાને અડે છે તો બીજો છેડો જાગતિક પરિવર્તનને સ્પર્શે છે. ગોપાળબાપાની વાડીના સુંદરતમ વર્ણનો સાથે શરૃ થતી આ નવલકથા સ્વાતંત્ર્ય સંગ્રામના વિચારમાં વહેતી પૂર્વ ભારત સુધી પહોંચે છે. બીજા ભાગમાં સત્યકામ વિશ્વયુદ્ધની અંધાધુંધી વચ્ચે અટવાયેલા યુરોપમાં પોતાનું સત્ય પામવા મથે છે, અને ત્રીજા ભાગમાં બર્માના મોરચે યુદ્ધની બિભિષિકા વચ્ચે પનપતા માનવીય સંબંધોમાં પરોવાઈને વાર્તા અંતે આરંભબિંદુએ આવીને અટકે છે.
ગ્રામ્ય માહોલમાં ઉછરેલા રોહિણી અને સત્યકામના વૈચારિક વિકાસનો આલેખ આ મહાનવલના ત્રણ ભાગમાં વિશદ્ રીતે રજૂ થયો છે. બંને વચ્ચે એકમેક પ્રત્યે ઊંડી લાગણી છે, પરંતુ રોહિણી હેમંતને પરણી છે અને સત્યકામ એ આઘાત પચાવીને નીજ સત્ય શોધવા સમગ્ર વિશ્વ ભમતો રહે છે. વિવિધ અનુભવો, બહુવિધ સમાજધારા અને વિચારધારાનો સંસ્પર્શ પામીને આંતર સમૃદ્ધ થઈ તે પોતાના મૂળ તરફ પાછો ફરે છે. 'દર્શક'ની ધીરગંભીર શૈલી, ઘટનાઓ ઉપસાવવાની કાબેલિયત અને પોતીકા બનતાં જતાં પાત્રો થકી આ મહાનવલ વાચકના ચિત્ત પર દીર્ઘકાલીન અસર છોડી જાય છે.
🌀ભારેલો અગ્નિ
સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભૂમિકા નિભાવનાર વિનાયક સાવરકરે ૧૮૫૭નો ઇતિહાસ લખ્યો હતો. એ પુસ્તકથી પ્રભાવિત થઈને ર.વ.દેસાઈએ 'ભારેલો અગ્નિ' નામે નવલકથા લખી. કનૈયાલાલ મુનશીની ઈતિહાસનું કથાબિંદુ ધરાવતી નવલકથાઓની અપાર લોકપ્રિયતાની સમાંતરે ર.વ.દેસાઈએ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની પશ્ચાદભૂમાં લખેલી 'ભારેલો અગ્નિ' પણ એટલી જ લોકપ્રિય નીવડી હતી એ તેમની યશસ્વી સિદ્ધિ ગણવી પડે.
વતનની મુક્તિ કાજે સશસ્ત્ર અને હિંસક ક્રાંતિ જગાવવાની આલબેલ વચ્ચે રૃદ્રદત્તના પાત્ર દ્વારા આ નવલકથામાં અહીંસાને જ છેવટના મુક્તિમાર્ગ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ થયો છે. વાસ્તવિક અને કાલ્પનિક પાત્રો, ઘટનાઓના આબાદ મિશ્રણ દ્વારા રજૂ થયેલ જોશીલો ઘટનાપ્રવાહ તેમજ ચોટદાર સંવાદો થકી આ નવલકથા ધ્વંસ અને સર્જન, હિંસા અને અહિંસા વચ્ચેની ખેંચતાણને રસપ્રદ અને બોધના ભાર વિના રજૂ કરે છે.
🌀વેવિશાળ
ગઈ સદીના અદ્દલ ગુજરાતીપણાંનો આયનો ધરતી ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા 'વેવિશાળ' એ હરહંમેશ ગુજરાતી જીવનનો દસ્તાવેજી આલેખ બની રહે એટલી સબળ કૃતિ છે. બાળપણમાં દેવાયેલા કોલ મુજબ નક્કી થયેલાં લગ્નો, ધનિક બની ગયેલા પરિવારના ગરીબ ઘરમાં થનાર વેવિશાળ, મુખ્ય પાત્રોની કશ્મકશ, ઘમંડ અને મિથ્યાભિમાન વચ્ચે સળવળતી જતી સંવેદના એ આ નવલકથાનું પ્રધાનતત્ત્વ છે.
સમાજજીવનના સારાં-નરસાં તમામ પાસાંઓના આલેખન ઉપરાંત મેઘાણીની કલમે અહીં પાત્રસૃષ્ટિ પણ બળુકી નીપજી છે. મેઘાણીની શૈલીનો ધસમસતો વેગ આ નવલકથામાં પાને-પાને વર્તાય છે. પાત્રો, ઘટનાઓની પ્રચુરતાને બદલે મેઘાણીએ અહીં માનવીય ભાવોના નિરુપણ થકી ચમત્કૃતિ સર્જી છે. બે પરિવાર વચ્ચેના સામાજિક દરજ્જાના અંતર અને તેને લીધે વેવિશાળ કરવું કે ન કરવું એ સવાલને મહત્ત્વપૂર્ણ બનાવીને મેઘાણી આ કૃતિમાં આખરે માનવીય મૂલ્યો, પરંપરા અને ખાનદાનીનું આબાદ ચિત્રણ કરે છે.
🌀પેરેલિસિસ
૧૯ ભાષાઓમાં અનુદિત થયેલી ચંદ્રકાન્ત બક્ષીની આ યશસ્વી નવલકથા તેનાં અવતરણ વખતે જમાના કરતાં આગળ હોવાનું કહેવાતું હતું. આજે પચ્ચીશ વર્ષ બાદ પણ એ નવલકથા એટલી જ પરિપક્વ અને વાચનક્ષમ હોવા ઉપરાંત જમાનાથી આગળ જ લાગે એ કથાકાર તરીકે બક્ષીની સિદ્ધિ છે.
ગુજરાતી કથાસાહિત્યમાં ઘટનાપ્રધાન નવલકથાઓને સામાજિક, ઐતિહાસિક એવા પ્રચલિત કથાનકોથી એક ડગલું આગળ લઈ જતી આ નવલકથા મનોવૈજ્ઞાાનિક દૃષ્ટિકોણ પૂરો પાડે છે. પ્રોફેસર આરામ શાહના જીવનમાં આકસ્મિક શરૃ થયેલી ઉથલપાથલ કહેતી આ કથા ભાવવિશ્વની સંકુલતાને ગજબનાક સંવાદો દ્વારા એટલી અસરકારક રીતે રજૂ કરે છે કે ઘટનાપ્રવાહની આદતથી ટેવાયેલો વાચક મનોભાવના અતિરેકને પણ આસાનીથી પચાવી જાય છે.
નવલકથા તરીકે પ્રયોગાત્મક ગણાતી 'પેરેલિસિસ' વાચકોને અભિભૂત કરી રહે છે, તો સાહિત્યના અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ માટે પાઠમાળા પણ બની શકે છે. એટલે જ આ નવલકથા વિવિધ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ સ્થાન પામી ચૂકી છે.
🌀જડ-ચેતન
કહેવાય છે કે 'મહાભારત' ટીવીશ્રેણી જ્યારે પ્રસારિત થતી હતી એટલો વખત સમગ્ર ભારત થંભી જતું હતું. આવું જ ગુજરાત વિશે અન્ય સંદર્ભે કહી શકાય તેમ છે કે, જ્યારે તુલસી કોમામાં સરી પડી હતી ત્યારે આખું ય ગુજરાત તેનાં જલદી સાજાં થઈ જવા માટે પ્રાર્થના કરતું હતું! જી હા, એ નવલકથા એટલે 'જડ-ચેતન' અને લેખક એટલે હરકિશન મહેતા.
અરુણા શાનબાગ નામની મુંબઈની કેઈએમ હોસ્પિટલની એક નર્સ પર બળાત્કારનો પ્રયાસ થયો અને આઘાતને લીધે એ કોમામાં સરી પડી. આ સમાચારમાંથી નવલકથાનું બીજ શોધીને હરકિશન મહેતાએ તુલસીનું પાત્ર સર્જ્યું. એક ભ્રષ્ટાચારી પ્રધાનના સ્વિસ બેન્કના એકાઉન્ટ અંગે અજાણતા જ માહિતગાર થઈ ગયેલી તુલસી કોઈને જાણ કરે એ પહેલાં જ કોમામાં સરી પડે છે. તેનો બાળપણનો મિત્ર ચિંતન તેને સાજી કરવા માટે મથતો રહે છે.
જીવંત પાત્રો, લાજવાબ ઘટનાક્રમ અને જકડી રાખતી નાટયાત્મકતાને લીધે જડ-ચેતન એટલી બધી લોકપ્રિય બની હતી કે ઘરે-ઘરે તેની ચર્ચા થતી હતી અને નવા અંકનો હપ્તો વાંચી લેવા માટે લોકો બેચેન રહેતા હતા.
🌀દરિયાલાલ
૧૫૦૦ કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાત પાસે પોતાની કહી શકાય તેવી દરિયાઈ સાહસકથા કેટલી એવો સવાલ જો થાય તો આપણે ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ કહી શકાય તેમ છે. આજથી ૮૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૩૮માં લખાયેલી 'દરિયાલાલ'નો એક-એક શબ્દ આજે પણ સાંપ્રત લાગે એ લેખક ગુણવંતરાય આચાર્યની કલમની કમાલ છે.
કેટલાંક ઐતિહાસિક પાત્રો, કેટલીક દંતકથાઓ અને કલ્પના એવા મિશ્રણમાંથી નીપજેલી આ કથા તેના વેગીલા ઘટનાપ્રવાહ, અનોખા પાત્રાંકનો અને વિશિષ્ટ માહોલના કારણે અતિ રસપ્રદ બને છે. લધાભા નામના મોટા વેપારીની પેઢી જંગબારમાં ગુલામોનો વેપાર કરે છે અને રામજીભા તેમના વિશ્વાસુ કર્મચારી છે. એકવાર અકસ્માતે ગુલામો બહુ દારુણ હાલતમાં મોતને ભેટે છે. આથી વ્યથિત થયેલા રામજીભા ગુલામોનો આ વેપાર અને સમૂળી પ્રથા જ નાબુદ કરવાના પ્રણ લે છે.
આવા કથાતંતુને લેખકે દરિયાઈ સાહસો, ચાંચિયાઓ સાથેની મુઠભેડ અને હવામાનના પલટાઓના આબાદ વર્ણનો વડે બેહદ જીવંત અને સાક્ષાત બનાવી દીધી છે. ગુજરાતી વાચકોની પ્રત્યેક પેઢી માટે આ નવલકથા જાણે આજની જ વાત હોય એટલી રોચક બની રહે છે.
🌀ઓથાર
કોઈપણ ઉંમરના સરેરાશ ગુજરાતી વાચકને તેને ગમતી પ્રિય ૧૦ ગુજરાતી નવલકથાનું લિસ્ટ બનાવવાનું કહો તો કદાચ ૯૦ ટકા વાચકોની સુચિમાં એક નામ અચૂક જડી આવશે : ઓથાર! અશ્વિની ભટ્ટ રચિત આ નવલકથાની વિશેષતા એ છે કે તેમાં ઈતિહાસ પણ છે, રાજનીતિ પણ છે, ભૂગોળ પણ છે, મનોવિજ્ઞાાન અને માનવિય સંવેદના ય ભરચક છે અને આખી નવલકથા પોતે એક નિતાંત સુંદર કવિતા પણ છે.
૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના ભયાનક ઓથાર તળે જીવતાં ઝુંઝાર પાત્રો નિષ્ફળતાના એ કલંકને મિટાવવા મથે છે. ફક્ત આટલો કથાતંતુ અશ્વિનીની કલમે અનેક ઝરણાંઓનો મંજુલ નિનાદ વહેતો વહેતો મહાનદને મળે એ રીતે એક દળદાર નવલકથાનું સ્વરૃપ ધારણ કરે છે. અશ્વિની ભટ્ટે સર્જેલા સેના બારનીશ, સંતોજી, સેજલ, રાજેશ્વરીદેવી, બલિરામ અને ખૈરાસિંઘ જેવા પાત્રોનો પ્રભાવ એટલો પ્રચંડ છે કે વાચક લાંબા સમય સુધી તેના કેફમાં સરી પડે છે.
ઓથારની ખરી કમાલ તેના બેનમૂન વર્ણનોમાં છે. ખાસ કરીને ભેડાઘાટ અને નર્મદાના વર્ણનથી વાચકોની પ્રત્યેક પેઢી મંત્રમુગ્ધ થતી રહી છે.
No comments:
Post a Comment