Thursday, February 18, 2016

લાગે છે તેથી

લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે
ઓ જીંદગાની તારા હજારો લિબાસ છે

બે-ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી
અમને તો જમાનાની હવાઓએ રાશ છે

જો જો કે થવાનુ છે આજ ફરી ફરીને
હમણાં ભલે કહુ કે આખરી પ્રયાસ છે

મંઝિલ મળી જ્યાં એક ત્યાં લાખો દિશા ખુલી
કોને ખબર છે ક્યાં સુધી મારો વિકાસ છે

લાગે છે એ વખતે મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે

થઇને હતાશ જ્યાં ઉપર જોયુ મરીઝ
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે

-
મરીઝ

મારી

જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી,
કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી.

કરી દીધી છે મેં કુરબાન એના પર મજા મારી,
કે મારી વેદના છે આખરે તો વેદના મારી.

વહાવે છે ગગન બસ ત્યારથી વરસાદના આંસુ,
યુગો પહેલા મેં સંભળાવી હતી એને વ્યથા મારી.

ગમે તેવા પ્રસંગો દઈ  બગાડી નાંખી દુનિયાએ,
હતી નહિ તો બહુ સારી જીવનની વાર્તા મારી.

ભલેને આજ મારી હાજરીમાં ચૂપ છે લોકો;
નહીં હું હોઉં એ વખતે બધા કહેશે કથા મારી.

ધરું છું હાથ હું ઇન્સાનને બદલે ખુદા સામે,
હવે મારી બધી ઈચ્છા બની ગઈ છે દુઆ મારી.

જીવનના શ્વાસ એથી મુક્ત રીતે લઇ શકું છું હું,
જગતમાં આવીને મેં બાંધી દીધી છે હવા મારી.

હૃદયનો રોગ છે આ, અન્યને રસ હોય શું એમાં?
તમે આવો તો હું તમને બતાવી દઉં દવા મારી.

તમે તો ફેરવી દીધી નજર,તમને ખબર ક્યાં છે?
ખરેખર તો હવે જોવા સમી થઇ છે દશા મારી.

નિહાળી મારી પાગલતા જમા થઇ જાય છે લોકો,
હવે તારી સભા જેવી જ થઇ ગઈ છે સભા મારી.

જો મંઝીલ એક છે, તો આ બધાએ ભેદભાવો શા?
બધા યે માર્ગ છે મારા,બધીયે છે દિશા મારી.

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઇ છે જગા મારી.

બેફામ

ન મોકલાવ...

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ

મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ

જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ

આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ

આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ

બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ

હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ

પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ

વરસ્યોતો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.

આદિલ મન્સૂરી (રમેશ પારેખની યાદમાં૫ જૂન, ૨૦૦૬, ન્યુ જર્સી)

તું આવી હશે

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે

રાજેશ વ્યાસ મિસ્કીન

શોધું છું

ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું

મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું

ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું

સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું

શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધાતાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું

મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું.

ડૉ. જગદીપ નાણાવટી

... ની માફક

ઘરમાં ઊભા જડની માફક
દર્પણની એક તડની માફક

ડાળ બટકતી જોયા કરીએ
સમય ઊભો છે થડની માફક

હું જ મને અથડાતો રહેતો
ઘરમાં છું સાંકડની માફક

આડેધડ ઊગી નીકળ્યા છે
સ્મરણો તારાં ખડની માફક

મારી ધરતી પર ફેલાયા
શબ્દો કબીર-વડની માફક


 - મનોજ ખંડેરિયા

બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય

બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
આ તરવરાટને ક્હો, હમણાં વધી ન જાય

તું પાસ હોય એવી રીતે ગાઉં છું ગઝલ
તું ક્યાંક પાસ આવી મને સાંભળી ન જાય

તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય

ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય

તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય

થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
તારા અભાવને કહે આંખ સુધી ન જાય

જવાહર બક્ષી