તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ
મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ
જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ
આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ
આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ
બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ
હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ
પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ
વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર
હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.
આદિલ મન્સૂરી (રમેશ પારેખની
યાદમાં… ૫ જૂન, ૨૦૦૬, ન્યુ જર્સી)
No comments:
Post a Comment