Saturday, February 28, 2015

ગુજરાતી

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે 'મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.' (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)

ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે 'દેવું કરીને પણ ઘી પીવું.' હવે એવું કહેવાય છે કે 'દેવું કરીને પણ બાઈક લેવું.' ગુજરાતીઓના 'દિલની સૌથી નજીક' જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં 'ફ્રી' લખ્યું તો તો 'લ્લા'. રાત્રે દસથી સવારે છ, 'મોબાઈલથી મોબાઈલ ફ્રી' એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હેલો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)

ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર કભૂ...સકરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે 'કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.' આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….

ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. 'એ લાટસા'બ હોય તો એના ઘેર, મારે શું ?' આવી તાસીર જ આપણને 'જીદ કરી દુનિયા બદલવાની' શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?)
હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?
જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ 'ગુજરાતી ગૌરવ ગાથા' ને આગળ ધપાવો.

જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો

એક દિવસ એક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો
આજે તમે એક નિબંધ લખીને મને આપો.

નિબંધનો વિષય છે — "જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ... ...ઇશ્વરની પાસે તમે શું માંગશો ??? ”

બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.

ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા.

સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા.

ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.

તેમણે પૂછ્યું, " કેમ શું થયું???કેમ રડો છો??? ”

શિક્ષિકાએ કહ્યું, " હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું "

તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “ જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ "

તેમના પતિએ નિબંધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું

હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ... ટેલીવીઝન
(
ટી.વી.) બનાવી દે.

હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું.

હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.

જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય.

મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.

અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ
સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું.

તેઓ કોઇ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.

જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી
પણ સંભાળ રાખે.

જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટીવી
બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે.

અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને
અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.

અને…… મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.

હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને
કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને

ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું
મનોરંજન કરી શકું.

હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.

તેમના પતિ બોલ્યા, " હે ભગવાન !!! બિચારું બાળક !!!! કેવા ભયાનક
માતા-પિતા છે !!!!!

શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,

આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.

પગલા......

(૧) જન્મ....

એક અણમોલ સોગાદ છે, 

જે ભગવાનની ભેટ છે.....

(
૨) બચપણ 

મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, 

જે ડુબી શક્યો તે તરી ગયો છે....

(
૩) તરુણાવસ્થા

કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે. 

મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. 

તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ... 

અને અનેક નવી મૂંઝવણો....

(
૪) યુવાવસ્થા 

બંધ આંખોનું એ આંધળુ સાહસ છે... 

તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો .. 

અને કુરબાન થવાની આશા છે.

(
૫) પ્રૌઢાવસ્થા 

ખુદને માટે કશુ ન વિચારતા... 

બીજા માટે કરી છુટવાની ખુશી છે. 

કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે. 

(
૬) ઘડપણ 

વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, 

જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે... 

(
૭) મરણ 

જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે... 

નાડીએ નાડીએ કર્મ તૂટશે.. 

પાપ-પૂણ્યનો મર્મ ખુલશે... 

ધર્મ-કર્મનો હિસાબ થશે... 

સ્વર્ગ-નરકનો માર્ગ થશે.... 

પોતાનાનો પ્યાર છુટશે......... 

અને... સાત પગલા પુરા થશે.....

માટે.. 

સાત પગલાની.. 

પાણી પહેલા પાળ બાંધો....

(
૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.

(
૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!

(
૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે...

તે .. પોતે જ... ચાલાક છે...! 

પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે 

ત્યારે--------

માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો!

(
૪) જો તમને...પહેરવા કપડા, રહેવા ઘર અને..

બે ટાઇમ અન્ન મળતું હોય તો...

ઉપરવાળાનો આભાર માનજો..


તમારાથી બીજા કેટલા સુખી છે..

તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..
તે જોશો તો... તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(
૫) તમે પૈસાદાર હો કે ગરીબ.. 

બધા અંતે મ્રુત્યુને જ વરે છે! 

મુખ્ય વાત તો એ જ છે કે.. 

તમારી ખોટ કેટલાને પડી? 

તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

કોઈ લૌટા દે મેરે....

દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,

રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને ,

સુંદર અક્ષરે મારું નામ લખવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી ,

નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.

જેમ તેમ લંચબોક્સ પૂરું કરી...

મરચુ મીઠું ભભરાવેલ ,

આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે ,

કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,

એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,

અનપેક્ષીત રજાના આનંદ માટે...

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં ,

મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને ,

સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.

રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.

તો ભાગી જવાની મોજ અનુભવવા...

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં ,

છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.

દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી ,

હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી ,

તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.

વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં ,

પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.

ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં ,

પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,

બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.

બચપણ પ્રભુની દેણ છે

તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.

એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે......

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર.....

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું...

આજે જયારે મોટો થયો છે કે "તૂટેલા સ્વપ્નો" અને "અધુરી લાગણીઓ" કરતા

"
તૂટેલા રમકડા" અને "અધૂરા હોમવર્ક" સારા હતા..

આજે સમજાય છે કે જયારે "બોસ" ખીજાય એના કરતા

શાળા માં શિક્ષક "અંગુઠા" પકડાવતા હતા એ સારું હતું...

આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે "પીઝા" મા નથી આવતો...

સત્ય-અસત્ય

સત્ય એ પાણીમાં પડેલા તેલ જેવું છે.
પાણી વધારે હોય કે ઓછું હોય પણ
સત્ય સપાટી ઉપર આવ્યા વગર રહેતું નથી.
સત્યને તળિયે બેસાડવું સાગર માટે પણ અશક્ય છે.
બીજી રીતે કહીએ તો સત્ય શસ્ત્રક્રિયા જેવું છે
જે થોડો સમય પીડા આપે છે પણ જીવનભર સુખી કરે છે
અને અસત્ય પેઈનકીલર દવા જેવું છે
જે થોડા સમય માટે પીડામાં રાહત તો આપશે
પણ તેનો પાવર ઉતરતા ફરી પીડા શરુ થઇ જાય છે.

આમ કાયમી શાંતિ માટે સત્યનો સહારો લેવો એજ શ્રેષ્ઠ ઉપાય છે.

અરીસો

એક ભાઈના ઘરે મહેમાન આવ્યા.
યજમાને એની આગતા-સ્વાગતા કરી, ચા આપી.
મહેમાને કપમાં જોયું અને થોડીવારમાં બધી ચા બારી બહાર ફેકી દીધી.
આ જોઇને યજમાને કારણ પૂછતા મહેમાને કહ્યું,
"ચા માં માખી હતી."
યજમાનને ભારે શરમ થઇ.
માફી માગીને એણે ચાનો બીજો કપ મંગાવ્યો.
બીજા કપને પણ મહેમાને ધ્યાનથી જોયો અને એ ચા પણ બારીની બહાર ફેકી દીધી.
ફરી એજ કારણ - ચામાં માખી પડી છે.
યજમાને ત્રીજીવાર ચા મંગાવી.
મહેમાને એ ચા પણ ધ્યાનથી જોઈ બારીની બહાર ફેકી દીધી.
આ વખતે યજમાનથી રહેવાયું નહિ એટલે પૂછ્યું.
"હવે શું વાંધો છે? "
મહેમાને એજ જવાબ આપ્યો :
"ચામાં માખી પડી છે. "
આ સંભાળીને યજમાને કહ્યું,
"મહેરબાની કરીને તમારા ચશ્માં ઉતારીને જુઓ,
માખી ચામાં નહિ,
પરંતુ તમારા ચશ્માના કાચ ઉપર ચોટેલી છે."

કોઈ શાયરે બહુ સરસ લખ્યું છે :

ઇક ખતા હમ તાઉમ્ર કરતે રહે,
ધૂલ ચેહરે પે થી, હમ આઈના સાફ કરતે રહે.

આવી સમસ્યાનો શિકાર આપણામાંથી ઘણા થઇ ગયા હોય છે.
આપણે આપણા દુઃખ, મુશ્કેલી અને તણાવનું કારણ બહાર શોધતા હોઈએ છીએ
અને મોટેભાગે પોતાના દોષ અને જવાબદારી પોતાના સિવાય
બીજા બધા ઉપર લાદી દઈએ છીએ.
આનું પરિણામ એ આવે છે કે પોતે તો હેરાન પરેશાન રહે જ છે
અને સાથે સાથે આસપાસના લોકોને પણ હેરાનગતિ આપે છે.
આપણા સુખ કે દુઃખ માટે ઘણુંખરું તો આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ.
આપણા વિચારવાની દિશામાં અને આપણી આદતોમાં ફેરફાર લાવીએ તો
આપણી જિંદગીની દિશા અને દશા બંનેમાં પરિવર્તન આવી શકે.
કોઈએ કહ્યું છે ને કે ઈશ્વર નક્કી કરે છે કે આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઇશું,
પરંતુ આપણે નક્કી કરીએ છીએ કે આપણે એ પરિસ્થિતિમાંથી કેવી રીતે પસાર થઇશુ !

જોકર

એક કાર્યક્રમમાં એક જોકરે જોક સંભળાવ્યો
લોકો ખુબ હસ્યા
બીજી વાર પાછો એજ જોક સંભળાવ્યો.
આ વખતે બહુ ઓછા લોકો હસ્યા
ત્રીજી વાર પાછો એજ જોક સંભળાવ્યો
હવે કોઈ ના હસ્યું.
જોકરે એ બધાને કહ્યું : 
એક વાત પર વારંવાર હસતા નથી તો 
એક જ વાત ને યાદ કરીને વારંવાર રડો છો કેમ

દીકરી દાંપત્યનો દીવડો

ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું : હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે
પ્રેમ કરું છું. જાણો છો કેમ ? એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું
અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા
આંસુ લૂછતાં કહ્યું હતું : પપ્પા, તમે રડો નહીં….. તમે રડો છો તેથી મને
પણ રડુ આવે છે !આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે
ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે
પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ
બની રહેતી હોય છે.

કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે
મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી. દીકરી વીસ-બાવીસની થાય
ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી
ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની
રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને
દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે. જોતજોતામાં દીકરી મોટી થઈ
જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ
વળગીને સજળનેત્રે એ કહે છે : પપ્પા, હું જાઉં છું….. મારી ચિંતા કરશો
નહીં…. તમારી દવા બરાબર લેજો….’ અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં
આંસુઓને તે રોકી શકતો નથી. કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલમાં
શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે : સંસાર છોડીને સંન્યાસી બનેલા
અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને
કેટલું થતું હશે ?’

એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં.
દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું
હતું : આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે
દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના
સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો
પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે
એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. ભગવાન, તારે આખી
દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ
પડવા દઈશ નહીં !એક પરિણિત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે
વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા
પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને
રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે છે
ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે માનો
કોઈ શ્રદ્ધાળુને એકીસાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય !

અમારા એક અન્ય મિત્રને એકની એક દીકરી છે. મિત્રે એને ખૂબ લાડકોડથી ઉછેરી
હતી. દુર્ભાગ્યે એને પતિ સારો મળ્યો નથી. નાની નાની વાતમાં હાથ ઉપાડે છે.
કોકવાર તો પિતાની હાજરીમાંય હાથ ઉપાડી બેસે છે. એકવાર એ દશ્ય નજરે જોયા
પછી મિત્રને એવો આઘાત લાગ્યો કે એટેક આવી ગયો. એ દિવસે ડાયરીમાં એમણે
લખ્યું જમાઈના હાથે બાપ પોતાની દીકરીને માર ખાતી જુએ છે ત્યારે ગાય
પોતાના વાછરડાને કતલખાને વધેરાઈ જતાં જોતી હોય એવું દુઃખ થાય છે ! એમણે એ
ઘટના બાદ દીકરીને ત્યાં જવાનું છોડી દીધું. એક દિવસ એમને ત્યાં એમનો
ભાણેજ એની પત્ની જોડે આવ્યો. ભાણેજને પણ એક જ દીકરી હતી, જે તેને ખૂબ
વ્હાલી હતી. બન્યું એવું કે ભાણેજને કંઈક વાંકુ પડતાં તેણે તેની પત્નીને
એક તમાચો મારી દીધો. મિત્ર અસ્વસ્થ થઈ ગયા. તેમણે ભાણેજને પાસે બોલાવી
કહ્યું : ભાઈ, તું તારી દીકરીને પ્રેમ કરતો હોય તો તને તારી દીકરીના
સોગંદ છે, તારી પત્ની પર કદી હાથ ઉપાડીશ નહીં. આખરે એ પણ કોકની દીકરી છે.
એના મા બાપ, ભાઈ-બહેનનો ભર્યો ભાદર્યો પરિવાર છોડી એ તારા ભરોસે આ ઘરમાં
આવી છે. એના ચહેરામાં તું તારી દીકરીનો ચહેરો જોજે તારો બધો ગુસ્સો ઓગળી
જશે !

હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : અગર તમારા ઘરમાં
દીકરી ના હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના
નથી. તમે બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના
પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે
પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી. એક લગ્ન સમારંભમાં અમે
મિત્રો વચ્ચે બેઠા હતા, ત્યાં એક પરિણીત યુવતીએ એક સ્વાનુભવ કહ્યો.
યુવતીના પિતા મૃત્યુ પામ્યા હતા. પિયરમાં ભાઈ-ભાભી તરફથી ખાસ પ્રેમ મળતો
નહોતો. એ યુવતીએ કહ્યું : મેં ઘણે ઠેકાણે વાંચ્યું છે માતા વિનાની
દીકરી અને દીકરી વિનાનો બાપ કદી સુખી ના હોઈ શકે. આ સાચું હોય તો પણ મારા
અનુભવ પરથી મને એવું લાગે છે કે બાપ વિનાની દીકરી પણ એટલી જ કમનસીબ ગણાય
!
દીકરી વિનાનો બાપ લાખોપતિ હોય તોય વાત્સલ્યવંચિત હોય છે. પણ બાપ વિનાની
દીકરી તો કરોડપતિ હોય તો પણ નિરાધાર જ ગણાય. કેમ કે સંસારમાં સૌનો પ્રેમ
મળી શકે છે પણ બાપના પ્રેમની તોલે તો ભગવાનનો પ્રેમ પણ ના આવી શકે !

સ્ત્રી જીવનનો પ્રાણવાયુ છે. સંસારનું ચાલક બળ છે. જીવનરથની એ એવી ધરી છે
જેના પર દાંપત્ય જીવનની સફળતાનો મુખ્ય આધાર છે. સ્ત્રી-પુત્રી રૂપે,
પત્ની રૂપે, મા કે બહેન રૂપે.
-unknown author