અકબર બાદશાહે એક વાર ગરીબો માટે મોટી મિજબાની
ગોઠવી. શહેરમાં રહેતા બધા ગરીબો, ભિક્ષુકો, સાધુ અને ફકીરોને જમવા બોલાવ્યા. તેમને વિવિધ મીઠાઇઓ અને વાનગીઓ પીરસી. આવા ભોજનથી જમનારા બધા ખુશ હતા. થોડી થોડી વારે એ બધા ‘અકબર બાદશાહની જય’ બોલાવતા હતા. અકબરનાં મોંફાટ વખાણ કરતા હતા. ઉપર અટારીમાં ઊભા-ઊભા રાજા અકબર બધું નિહાળતા હતા અને રાજી થતા હતા. ત્યાં એમની નજર એક ખૂણામાં ઊભેલા ફકીર પર પડી. ફકીર જમવા આવ્યો હતો અને પોતાનો વારો આવે તેની રાહ જોતો હતો, પણ કંઇ બોલતો નહોતો. “અકબર બાદશાહની જય”ના પોકારમાં જોડાતો નહોતો. અકબરે ચાકરને બોલાવી એ ફકીરને જમવાનું ન આપવા અને બહાર કાઢી મૂકવા
હુકમ કર્યો. ચાકરે તે પ્રમાણે કર્યું. ફકીર ચૂપચાપ ચાલ્યો ગયો.
રાતે બાદશાહ સૂવા માટે પલંગમાં પડ્યા, પણ કેમે કરી ઊંઘ આવતી નહોતી. તેમણે પેલા ફકીરનો શાંત ચહેરો દેખાયા કરતો હતો. તેમને જાણે કોઇ કહી રહ્યું હતું, ”અકબર ખુદાની કૃપા બધે વરસે છે. પુણ્યશાળી કે
પાપી, ખુદાને માનનાર કે ખુદાને ગાળો આપનાર, આસ્તિક અને નાસ્તિક બધાને ખુદાનો
સૂર્યપ્રકાશ મળે છે, એની ધરતી અનાજ આપે છે અને એનાં જળાશયો પાણી આપે છે. ખુદાની જેમ રાજાએ પણ ભેદભાવ ન રાખવો જોઇએ. સમભાવ રાખવો જોઇએ.” બીજે દિવસે અકબરે પેલા ફકીરને શોધી બોલાવ્યો. તેને ભરપેટ બધી મીઠાઇ અને વાનગીઓ જમાડી. બાદશાહે ફકીરની માફી પણ માગી. ફકીરે કહ્યું,”માફી આપનાર હું કોણ? માફી બક્ષનાર તો ખુદા છે. હું તો ખુદાનો બંદો છું. માફી ખુદા પાસે
માગો. તમને ખુદાએ આજે સદબુદ્ધિ આપી અને મને
બોલાવ્યો તેને માટે આભાર માનો.” બાદશાહે પછી ફકીરને પૂછ્યું કે તે કેમ ‘અકબરની જય’ અને પ્રસંશામાં જોડાયો નહોતો. ફકીરે કહ્યુ, “ બાદશાહ સલામત,
બાદશાહનો બાદશાહ ખુદા છે. ખુદાનો બંદો એકલા ખુદાની પ્રસંશા કરે છે. ખુદા બીજાને નિમિત્ત બનાવી બધું આપી રહે છે.”
No comments:
Post a Comment