Saturday, February 28, 2015

ગુજરાતી

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે 'મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.' (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)

ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે 'દેવું કરીને પણ ઘી પીવું.' હવે એવું કહેવાય છે કે 'દેવું કરીને પણ બાઈક લેવું.' ગુજરાતીઓના 'દિલની સૌથી નજીક' જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં 'ફ્રી' લખ્યું તો તો 'લ્લા'. રાત્રે દસથી સવારે છ, 'મોબાઈલથી મોબાઈલ ફ્રી' એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હેલો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)

ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર કભૂ...સકરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે 'કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.' આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….

ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. 'એ લાટસા'બ હોય તો એના ઘેર, મારે શું ?' આવી તાસીર જ આપણને 'જીદ કરી દુનિયા બદલવાની' શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?)
હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?
જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ 'ગુજરાતી ગૌરવ ગાથા' ને આગળ ધપાવો.

No comments:

Post a Comment