Saturday, February 28, 2015

અરીસો

એક ભાઈના ઘરે મહેમાન આવ્યા.
યજમાને એની આગતા-સ્વાગતા કરી, ચા આપી.
મહેમાને કપમાં જોયું અને થોડીવારમાં બધી ચા બારી બહાર ફેકી દીધી.
આ જોઇને યજમાને કારણ પૂછતા મહેમાને કહ્યું,
"ચા માં માખી હતી."
યજમાનને ભારે શરમ થઇ.
માફી માગીને એણે ચાનો બીજો કપ મંગાવ્યો.
બીજા કપને પણ મહેમાને ધ્યાનથી જોયો અને એ ચા પણ બારીની બહાર ફેકી દીધી.
ફરી એજ કારણ - ચામાં માખી પડી છે.
યજમાને ત્રીજીવાર ચા મંગાવી.
મહેમાને એ ચા પણ ધ્યાનથી જોઈ બારીની બહાર ફેકી દીધી.
આ વખતે યજમાનથી રહેવાયું નહિ એટલે પૂછ્યું.
"હવે શું વાંધો છે? "
મહેમાને એજ જવાબ આપ્યો :
"ચામાં માખી પડી છે. "
આ સંભાળીને યજમાને કહ્યું,
"મહેરબાની કરીને તમારા ચશ્માં ઉતારીને જુઓ,
માખી ચામાં નહિ,
પરંતુ તમારા ચશ્માના કાચ ઉપર ચોટેલી છે."

કોઈ શાયરે બહુ સરસ લખ્યું છે :

ઇક ખતા હમ તાઉમ્ર કરતે રહે,
ધૂલ ચેહરે પે થી, હમ આઈના સાફ કરતે રહે.

આવી સમસ્યાનો શિકાર આપણામાંથી ઘણા થઇ ગયા હોય છે.
આપણે આપણા દુઃખ, મુશ્કેલી અને તણાવનું કારણ બહાર શોધતા હોઈએ છીએ
અને મોટેભાગે પોતાના દોષ અને જવાબદારી પોતાના સિવાય
બીજા બધા ઉપર લાદી દઈએ છીએ.
આનું પરિણામ એ આવે છે કે પોતે તો હેરાન પરેશાન રહે જ છે
અને સાથે સાથે આસપાસના લોકોને પણ હેરાનગતિ આપે છે.
આપણા સુખ કે દુઃખ માટે ઘણુંખરું તો આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ.
આપણા વિચારવાની દિશામાં અને આપણી આદતોમાં ફેરફાર લાવીએ તો
આપણી જિંદગીની દિશા અને દશા બંનેમાં પરિવર્તન આવી શકે.
કોઈએ કહ્યું છે ને કે ઈશ્વર નક્કી કરે છે કે આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઇશું,
પરંતુ આપણે નક્કી કરીએ છીએ કે આપણે એ પરિસ્થિતિમાંથી કેવી રીતે પસાર થઇશુ !

No comments:

Post a Comment