એક ચોર હતો. નાની-નાની ચોરીઓ
કરીને તે જીવન ગૂજારતો હતો. બોલવામાં તે એકદમ આખાબોલો હતો. વગર સમજે-વિચારે
મોઢામાં જે આવે તે બોલી નાખતો હતો. તેનાં માતા-પિતા તેની આ ખરાબ આદતોને છોડાવવા
માટે ઘણુ સમજાવતાં હતાં. પરંતુ તે સમજતો ન હતો. એક દિવસ તે માતાના કહેવાથી શાકભાજી
ખરીદવા માટે બજારમાં ગયો. થોડું શાક તો તેણે પૈસા આપીને ખરીધ્યું પણ પછીથી તેના
મનમાં પૈસા આપ્યા વગર ચોરી કરીને શાક લઈ જવાનો લોભ જાગ્યો.
તે ડુંગળીવાળાની દુકાને ગયો અને
દુકાનદારની નજરથી બચીને તેણે ડુંગળી ચોરી લીધી.પરંતુ ત્યાં ઊભેલા દુકાનદારના
છોકરાએ તે જોઇ લીધું. તે પકડાઈ ગયો. જ્યારે તેને સજા માટે ન્યાયાધીશ સમક્ષ
લાવવામાં આવ્યો ત્યારે તેની સામે સજાના ત્રણ વિકલ્પો મૂક્યા,એક- સો ડુંગળીઓ એક વખતમાં ખાઈ જવી, બીજું-સો કોરડા ખાવા, ત્રીજું- સો રૂપિયાનો દંડ ભરવો.
આ ત્રણેયમાંથી તેણે વગર વિચાર્યે
સો ડુંગળી ખાવાની સજા માની લીધી. થોડી ડુંગળીઓ ખાતાં જ તેની આંખ અને મોં બળવા
લાગ્યાં અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. ચિડાઈને તે કોરડા મારવાનું કહેવા
લાગ્યો. પરંતુ થોડા કોરડા ખાધા પછી તેની હિંમત તૂટી ગઇ અને તે દંડ ભરવાને માટે
તૈયાર થઇ ગયો. હવે તે સમજી ગયો, ચોરી કરવાથી તેમજ વગર
સમજે-વિચારે કોઇ વાત કહેવાથી પરિણામ શું મળે છે. એ જ વખતે તેને યોગ્ય રસ્તે
ચાલવાનું વચન લીધું. ખરાબ કર્મોથી દૂર રહેવું જોઇએ અને હંમેશાં બરોબર વિચારીને
તેમજ જોખી-જોખીને શબ્દોનો પ્રયોગ કરવો જોઇએ.
No comments:
Post a Comment